Gujarat Weather Update: ગુજરાત રાજ્યમાં આ વખતે ચોમાસાની સિઝન બાદ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આ આગાહી ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગઈ છે. આ વખતે ચોમાસાની સિઝનમાં દરેક ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ 125 ટકા સુધી પહોંચી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ 148 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 123 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 117 ટકા વરસાદ પડ્યો છે. સાઉથ ગુજરાત રાજ્યમાં સરેરાશ વરસાદની સરખામણીમાં 130 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. ત્યારે આગામી સાત દિવસ ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
ગુજરાત રાજ્યમાં તાપમાનમાં ફેરફાર અંગેની માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલમાં ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદના કારણે તાપમાન ઘટ્યું છે, ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તે પછી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે. ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં મોટા ઘટાડાની શક્યતા નથી. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુરુવારે 30મી તારીખે વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
શુક્રવારે 31મી તારીખે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલા વેધર બુલેટિન પ્રમાણે, નવેમ્બરની પહેલી તારીખે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.